વાળને કાળા, સુંવાળા અને ચમકદાર બનાવવા હોય તો ઘરે બનાવો આ રીતે હર્બલ શેમ્પૂ

0
538

આજે આપણે વાળને લાંબા, કાળા, સુંવાળા અને ચમકદાર બનાવવાં માટે ઘરગથ્થું શેમ્પુ બનાવવાની રીત જાણીશું. જે બજારું શેમ્પુ કરતાં અનેક ગણું ગુણકારી અને સસ્તું હોય છે. ઘરે હર્બલ શેમ્પુ બનાવવાં માટે ત્રણ વસ્તુ આંબળા, અરીઠા અને શિકાકાઇની જરુર પડશે. આ ત્રણેય ૧૦૦-૧૦૦ ગ્રામ લાવવાં.

સૌથી પહેલાં આ ત્રણેયને ખરલ અથવાં તો મિક્ષ્ચરમાં અધકચરાં ખાંડી નાખવાં પણ સાવ ભૂકો ના થઈ જાય એની કાળજી રાખશો. બીજું કે, શિકાકાઇનાં ઝીણાં ઝીણાં કટકા કરી નાખવાં જેથી તે બ્લેન્ડરમાં ફસાઇ જાય નહીં. ભુકો કરતાં અગાઉ અરીઠાનાં બીજ કાઢી લેશો. ત્રણેય બાઉલમાં વ્યવસ્થિત પીસાઇ જાય એટલે શેમ્પુબેઝ તૈયાર. ત્યાર બાદ તેને એરટાઇટ બોટલમાં ભરી લેવાં. જેથી જરુર પડ્યે એનો ઉપયોગ કરી શકાય. હવે આપણે શેમ્પુ બનાવવાની રીત શીખી લેશું.

 

બનાવવાની રીત : એક લોખંડની કડાઈ લઇ તેમાં એક કપ પાણી રેડવું. તેની અંદર શેમ્પુબેઝ ભૂકો નાખીને ગેસનાં ચુલા ઉપર ઉકળવાં દેવું.આ દ્રાવણને ચમચાથી હલાવતાં રહો. જ્યારે ઉભરો આવે ત્યારે ગેસ ધીમો કરી છ થી આઠ મિનિટ બાદ બરાબર પાકી ગયો છે એની ખાતરી થતાં ગેસ બંધ કરીને કડાઇ નીચે ઉતારી ઠંડુ પડવાં દો અને આખી રાત કડાઈ ઉપર ઢાંકણ મૂકી રાખી મૂકો.

સવારમાં દ્રાવણનો કલર કાળો થઈ જશે. હવે તેને હાથેથી બરાબર મસળી લો અને પછી વધેલાં કૂચાં કાઢી નાખવાં. મસળતી વખતે હાથ કાળાં થઈ જાય તો ચિંતા ના કરશો. સાબુ વડે બરાબર હાથ ધોયાં પછી કાળાં દાગ દૂર થઈ જશે. હવે આ તૈયાર શેમ્પુને ઝીણાં સુતરાઉ કપડાં વડે ગાળીને બોટલમાં ભરી લો. આમળા નેચરલ કંડીશ્નર જેવું કામ કરે છે. તે માથામાં ડેન્ડ્રફ થતાં અટકાવે છે અને વિટામીન- સી થી ભરપૂર હોય છે, વાળ લાંબા, કાળાં ને ભરાવદાર બનાવે છે. શિકાકાઇ વિટામિન ઉપરાંત વાળને સિલ્કી અને ચમકદાર બનાવનાર કુદરતી તત્વો ધરાવે છે.

 

આ રીતે આનાથી વિશેષ ફાયદાકારક શેમ્પુ બીજી રીતે બનાવી શકાય છે. જેની રીત આપની સમક્ષ પ્રસ્તુત છે. આગળ આપણે ત્રણેય વસ્તુઓ પીસીને શેમ્પુબેઝ બનાવેલ તેનો ઉપયોગ કરીને શેમ્પુ બનાવી શકાય છે. ગેસ ઉપર એજ રીતે તૈયાર થશે પણ રીત થોડી અલગ છે.

લોખંડની કડાઈમાં એક કપ જેટલું પાણી નાખી તેમાં બે ચમચા શેમ્પુબેઝ ભૂકો નાખવો. ત્યારબાદ તેમાં ત્રણ ચમચી મેથી દાણા + એક મુઠી લીમડાનાં પાન ઉમેરો અને ગેસ ઉપર સાતેક મિનિટ ઉકાળી કડાઈ નીચે ઉતારી લેવી. આગળ જે રીતે શેમ્પુ બનાવેલ તેજ રીતે બીજાં પ્રકારનું શેમ્પુ તૈયાર થશે. આ શેમ્પુમાં ખાસ વિશેષતા એ છે કે, મેથી દાણાથી વાળનો ગ્રોથ વધે છે. લીમડાનાં પાન વાળ ખરતાં અટકાવે છે, વાળ, મજબૂત બનાવે છે. લીમડો એન્ટી- બાયોટીક, એન્ટી ફંગલ, એન્ટી- એલર્જીક ગુણ ધરાવે છે.

મહત્વની નોંધ : શેમ્પુ, સાબુ વગેરેનો આપણે બાહ્ય ઉપયોગ કરીએ છીએ પરંતુ શરીરની અંદરનાં દુષ્પ્રભાવ અટકાવવાં ખાસ જરુરી છે. તેથી વધું સારું પરિણામ મેળવવું હોય તો હેલ્ધી ખાવાનો આગ્રહ રાખવો અને જંકફૂડ બિલકૂલ ખાવાં નહીં.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here