અગાઉ આપણે માથાનાં ખરતાં વાળ અને નાની વયમાં સફેદ વાળની સમસ્યાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. હવે આપણે આ બધી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે જોઇશું. આગળનાં લેખમાં સફેદ વાળને કાળા કરવાં માટે પેસ્ટ બનાવવાંની ફોર્મ્યુલા રજું કરી હતી. આ સમસ્યાનાં ઉકેલ માટે એક સરસ અને અસરકારક હર્બલ સાબુ કઇ રીતે બનાવી શકાય એની વિગતો આપની સમક્ષ પ્રસ્તુત કરીશ. આનાં માટે નીચે દર્શાવેલ વસ્તુઓ બજારમાંથી લાવવાની રહેશે. જે વસ્તુઓની યાદી આ પ્રમાણે છે.
- મુલતાની માટી એક કિલો.
- સુકા આંબળા સો ગ્રામ
- લીમડાનાં લીલા તાજાં પાન સો ગ્રામ
- દહીંનો મઠ્ઠો અઢીસો ગ્રામ
- અરીઠા પચાસ ગ્રામ
- લીંબુનો રસ સો ગ્રામ
- હળદર પચીસ ગ્રામ
- જરુરીયાત મુજબ એસન્સ અને કલર
આ બધી વસ્તુઓ બનાવવાં માટેનાં સાધનોની જરૂર પડશે જેની યાદી પણ જોઇ લો.
- ખરલ એટલે કે, દસ્તો
- ચારણી
- સાબુ બનાવવાનો સંચો
બનાવવાની રીત :
મુલતાની માટીને સૌ પ્રથમ દસ્તા વડે કૂટીને બારીક પાવડર બનાવી લેવો. ત્યાર બાદ સો ગ્રામ લીમડાનાં પાન માં પાંચસો ગ્રામ પાણી ઉમેરી ગેસ ઉપર લગભગ ચારસો ગ્રામ પાણી બચે એ રીતે ઉકાળવું તે પછી સો ગ્રામ આંબળાને તૈયાર લીમડાનાં પાણીમાં ઉમેરી બાર કલાક સુધી પલાળી રાખો. ત્યાર પછી સારી રીતે ઘૂંટીને આંબળાનું પાણી તૈયાર રાખો. આટલી વિધિ પછી પચાસ ગ્રામ અરીઠાને સો ગ્રામ પાણીમાં બાર કલાક સુધી પલાળી રાખવાં. એ પ્રવાહીને સારી રીતે મેળવી ગાળી, અરીઠાનું પાણી તૈયાર રાખવું.
ભીંજવેલાં તૈયાર આંબળા અને અરીઠાનાં પાણીમાં દહીં તેમજ હળદર સારી રીતે હલાવી મિક્સ કરી દો. આ રીતે બનાવેલ ઘોળવામાં મુલતાની માટી ભેળવીને ખુબ ઘુંટો અને એકરસ થઈ જાય પછી એકબાજુ મૂકી દો. લગભગ ચારથી પાંચ કલાક પછી એમાં સો ગ્રામ લીંબુનું પાણી તથાં આવશ્યક્તાં પ્રમાણે સુગંધી એસન્સ ભેળવી ફરી વખત મિક્સ કરો.
ત્યાર બાદ આ તૈયાર સામગ્રીને સંચામાં નાખીને અથવાં હાથ વડે સાબુની ગોટીની સાઇઝનાં વ્યવસ્થિત ટુકડાં બનાવો. એ રીતે બનેલ સાબુની બધી ગોટીઓને ખુબ હળવાં તડકામાં અથવાં છાયામાં સુકવવાં મૂકી દેવાં. મોસમ અનુસાર સાબુની આ ગોટી સુકાવામાં ત્રણથી છ દિવસ જેવો સમય લાગી શકે છે.
આટલી પ્રક્રિયા પછી નાહવાં માટેનો કેમિકલ્સ વગરનો હર્બલ સાબુ તૈયાર છે. ઘરે બનાવેલો આ હર્બલ સાબુ બજારમાં મળતાં કેમિકલ્સયુક્ત સાબુ કરતાં ઉત્તમ હોય છે કેમકે, આપણે તેમાં કાસ્ટીક સોડાં ઉમેર્યા નથી. કાસ્ટીક સોડાવાળો સાબુ ત્વચા માટે નૂકશાનકારક છે.
સંકલન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર)
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !