સુરતની આ ગૌશાળામાં આપવામાં આવે છે મફતમાં કેન્સરની દવા

0
5701

રાજસ્થાનનાં પથમેડા નજીક આવેલી ગૌશાળા સરાહનીય સેવાકીય પ્રવૃત્તિને કારણે સમગ્ર દેશમાં નામના મેળવી ચૂકી છે. ગુજરાતમાં પણ એવી ઘણી ગૌશાળાઓ ગૌસેવાની સાથે જનસેવામાં પ્રવૃત્ત છે. પાટણ નજીકની ‘જસોદા ગૌશાળા’ નું કામ રોગગ્રસ્ત લોકો માટે દેશી દવાઓ તૈયાર કરી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે સપ્લાય કરવાનુ છે.

સુરતનાં નાના વરાછામાં રામજી ઓવારા કાંઠે રામચરિતમાનસ સ્વાધ્યાય પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની અહીં વાત કરવી છે. ગુજરાતમાં અસંખ્ય ગૌશાળાઓ આવેલી છે તેમાં નાના વરાછાની આ ગૌશાળા અલગ પડે છે, ગૌપાલનની સાથે માનવતાનાં કાર્યો સહિત વિવિધ પ્રવૃત્તિઓને કારણે…

કોઇપણ વ્યક્તિ ગમે ત્યારે આ ગૌશાળાની મુલાકાત લઈ કામગીરીનું નિરિક્ષણ કરી ખાત્રી કરી શકે છે. ગૌશાળાની સ્થાપના સંવત 1807 માં ખાખી કલ્યાણદાસજી ગુરૂ લક્ષ્મણદાસ( રામફુલદાસજી ખાખી) દ્વારા કરવામાં આવી હતી.  ગૌશાળામાં ગાય-વાછરડાં મળી અંદાજે કુલ 70 આસપાસ પશુઓ છે.

નાનાં વરાછાની ગૌશાળા વિશે વિગતો આપતાં સંસ્થાનાં ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ ડાહ્યાભાઇ લાઠીયાએ  જણાવ્યું હતું કે, આ સંસ્થા કેન્સર માટેની દવા બનાવે છે. ગાયનાં છાણ અને મુત્ર માંથી પંચગવ્ય તૈયાર કરવામાં આવે છે. ગૌમુત્ર અને પંચગવ્ય ખાસ નિષ્ણાંત ( જાણકાર)ની દેખરેખ હેઠળ બનાવાય છે. આ બન્ને દવા કેન્સરગ્રસ્ત દર્દીને વિનામૂલ્યે અપાય છે. ગાયનું શાસ્ત્રોમાં એટલું બધું મહત્વ આંકવામાં આવ્યું છે કે, ગાયનો રોજ માત્ર સ્પર્શ કરવાથી રોગ નાબૂદ થઈ જાય છે. ગૌશાળા માંથી નાનાં જરૂરિયાતમંદ બાળકો અને સગર્ભા મહિલાઓને ગાયનું દૂધ મફત આપવામાં આવે છે.

આ ઉપરાંત સંસ્થા દ્વારા વ્હીલચૅર, અપંગ વ્યક્તિ માટે ખુરશી, હોકર, હોસ્પિટલ બેડ, ટોઇલેટ ચેર વગેરે ફ્રી આપવામાં આવે છે. જોકે આ માટેની મામૂલી ડિપોઝીટ લેવામાં આવે છે જે ડિપોઝિટ વસ્તું પરત લેતી વખતે પાછી આપી દઈએ છીએ.

દર ગુરૂવાર અને રવિવારે ગરીબ બાળકોને નાસ્તો આપવામાં આવે છે. ખાસ કરીને ડાંગ જિલ્લામાં ગરીબ આદિવાસીઓની વસ્તી વધું જોવાં મળે છે. તેથી થોડાં સમય પહેલાંજ ડાંગ જિલ્લાનાં ગામોમાં જઈને જરૂરીયાતમંદ લોકોને વસ્તુઓ-સ્કુલનાં દફ્તર, પાટી-પેન વગેરે પુરાં પાડવામાં આવેલાં. આ બધી સેવાઓ માટે દાતાઓ મળી રહે છે પરંતુ દાન મળે કે ના મળે, પૈસા વગર કામ અટકતું નથી.

સંસ્થામાં કોઈ પગારદાર માણસ રાખવામાં આવતાં નથી. બલ્કે આજુબાજુ માંથી સેવાભાવી લોકો ગૌશાળામાં આવી રસોડાથી માંડીને દરેક પ્રકારની નિસ્વાર્થભાવે સેવા આપે છે.

વરાછાનાં રાજહંસ સ્વપ્ન સોસાયટીમાં રહેતાં કિરીટભાઇ ગુજરાતી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓ દરરોજ શાળા માંથી છૂટીને સીધાં જ ગૌશાળામાં પહોંચી જાય છે. ગૌશાળાનાં પશુઓને નિરણ નાખવાથી માંડીને નાનાં-મોટાં કામ તેઓ કરે છે. એ રીતે રસોડામાં જમણવાર હોય કે પીરસવાની કામગીરી, એમની હાજરી અચૂક હોય.

સંસ્થાનાં મહંતશ્રી અખિલેશદાસ ગુરુ કલ્યાણદાસજી (ખાખી) તમને સ્વયં ગૌશાળામાં કામ કરતાં જોવાં મળે. ગાયોને ઘાસ નાખવું, સાફ સફાઈ, ગાયોને પાણી પીવડાવવું, રસોડામાં પીરસવું વગેરે કામ તેઓ હોંશથી કરતાં હોય છે . સંસ્થામાં રોજ અંદાજે પંદરથી વીસ સાધુ અભ્યાગતો આવે છે તેમને જમાડવાં પડે તેમજ રોકડ રકમ આપીને વિદાય આપવાની હોય એ પરંપરા અહીં આજસુધી ચાલું રાખવામાં આવી છે.

વરાછાનાં રાજહંસ સ્વપ્ન સોસાયટીનાં (પ્રવિણભાઈ) લાખાભાઇ પાંધી દરરોજ એકવાર સપરિવાર ગૌશાળામાં  હાજરી આપે છે. ગાયોને સ્પર્શ કરવાથી શરીરનાં સઘળા રોગ નાશ પામે છે એ માન્યતાને કારણે પ્રવિણભાઈ પાંધી અહીં આવીને ગાયોને માથે હાથ ફેરવે છે અને નિરણ નાખવાની પ્રવૃત્તિમાં મશગુલ થઈ જાય છે. અહીં ગાયોને દોહવા માટે પણ કોઈ પગારદાર માણસ રાખવામાં આવેલ નથી.

લેખન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર-સુરત)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here