ભારતમાં ઘાતક બની રહ્યું છે ચક્રવાતી તોફાન “ફેની”, આગલા ૨૪ કલાક ખુબ જ મહત્વના

0
1158

હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન ફેનીને લઈને એકવાર ફરીથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગ તરફથી કહેવામાં આવેલ છે કે આ તોફાન આગળના છ કલાકમાં ભીષણ રૂપ ધારણ કરી શકે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ આગામી 24 કલાક માટે પણ ચેતવણી આપવામાં આવી છે. આશંકા જણાવવામાં આવી રહી છે કે બુધવાર ૧લી મે સાંજ સુધીમાં તે ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધશે.

વધુમાં જણાવવામાં આવેલ છે કે આ ચક્રવાત ગંભીર હોવાને કારણે કેરળના દૂરના વિસ્તારોમાં ૨૯ અને ૩૦ એપ્રિલના રોજ વરસાદ થઈ શકે છે. તેની અસરને કારણે તામિલનાડુના ઉત્તર ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. આંધ્ર પ્રદેશના ઉત્તર વિભાગના તટ પ્રદેશોના વિસ્તાર માં અને ઓડિશાના દક્ષિણ તટ પ્રદેશોના થોડા વિસ્તારમાં બીજી મેના રોજ હળવો વરસાદ થઈ શકે છે.

મે મહિનાની 3 તારીખ બાદ ઓડિશામાં થોડો ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તામિલનાડુ, પોંડિચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના કિનારાના વિસ્તાર પર ૩૦ એપ્રિલના રોજ સવારથી પવનની ગતિ ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની અને ત્યારબાદ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી ચાલવાની સંભાવના છે. ૨૮ એપ્રિલ સાંજથી કેરળના તટ વિસ્તાર પાસે હવાની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને ત્યારબાદ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ ચાલવાની સંભાવના છે.

માછીમારોને સમુદ્રમાં ન જવા માટેની સલાહ

29 એપ્રિલ થી ૧લી મે સુધી પોંડિચેરી, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના તટ વિસ્તાર અને તેની આસપાસના સમુદ્ર વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ખતરનાક થઈ શકે છે. વનવિભાગે શ્રીલંકા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પોંડિચેરીના માછીમારોને સમુદ્રમાં ન જવા માટે સલાહ આપી છે.

ઉત્તર પશ્ચિમ ના હવામાનમાં થઈ શકે છે બદલાવ

ફેની ધીરે ધીરે 30 એપ્રિલ સુધીમાં ઉત્તર-પશ્ચિમ અને ત્યાર બાદ ઊત્તર-પૂર્વ તરફ વધવાની સંભાવના છે. જેના લીધે ઉત્તર-પશ્ચિમમાં વાતાવરણ બદલાય શકે છે. પ્રશાસને વિશાખાપટ્ટનમ, મછલીપટનમ કૃષ્ણપટ્ટનમ અને નિજામપટ્ટનમ બંદરગાહો ને લઈને ચેતવણી જાહેર કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here