દરેક માં-બાપને પોતાના પરિવારનો વારસો જળવાઈ રહે એવી જ ઇચ્છા હોય છે. આ ચિંતામાં જ માં-બાપ મોટા થયેલા દીકરાઓ માટે બને એટલી વહેલી તકે પરણાવી દેવા માંગતા હોય છે. પોતાના દીકરાના લગ્ન માટે દરેક માતા-પિતા આતુર હોય જ છે. જેથી પોતાના પરિવારના વંશવેલાને વધારી શકે.
માતા-પિતાને પોતાના દિકરા માટે વહુ તો જોઈએ છે પરંતુ દિકરી જોતી નથી. સ્ત્રી વગર કોઈપણ પરિવારનો વંશ શક્ય જ નથી. છતાં પણ દિકરી તો કોઈને જોતી જ નથી. બધા જ માતા-પિતાને દીકરાની જ ઇચ્છા હોય છે કે તેમણે ત્યાં દીકરાનો જ જન્મ થવો જોઈએ. ઘણા માતા-પિતાને તો દિકરીનો જન્મ થતાં નિરાશ થતાં પણ જોયા છે.
લોકો એવું મને છે કે દિકરો હશે તો વંશ આગળ વધશે, દિકરો કમાઈને આપશે અને તેમના ઘડપણનો સહારો બનશે, દિકરો તેમણે કાંધ આપીને અગ્નિસંસ્કાર પણ આપશે, દિકરો હશે તો તેમના ક્રિયાકર્મ પણ કરશે. આ બધી જૂની માનસિકતાઓમાંથી લોકો હજુ સુધી બહાર નથી આવી શક્ય. આશ્ચર્યની વાત તો એ છે કે અત્યારની નવી પેઢી પણ હજુ આ માનસિકતામાં જ જીવે છે.
લોકોની આવી માનસિકતાના લીધે જ દિકરાઓને વધારે મહત્વ આપવામાં આવે છે. દિકરી આવે એટલે તો એવા દુખી થઈ જાય છે જાણે આભ ફાટી પડ્યું હોય. દિકરીને ભણાવવાની ચિંતા, મોટી થયા બાદ તેને લગ્ન માટે સારું ઘર મળશે કે નહીં, સારો છોકરો તેના માટે મળશે કે નહીં? આવી બધી ચિંતાઓથી ઘેરાયેલા રહે છે.
દિકરીથી વંશ ન ચાલે, વંશને આગળ વધારવા માટે તો દિકરો જ જોઈએ. દિકરીને હંમેશા પારકી થાપણ જ સમજવામાં આવે છે, દિકરીના લગ્નમાં વધારે ખર્ચ કરવો પડે છે, વહેવાર સાચવવો પડે છે, દહેજના રૂપમાં દિકરીને ઘણું ખરું આપવું પડે છે.
દિકરીના જન્મથી લઈને તેના મરણ સુધીના રીત રિવાજોમાં ખર્ચ, દિકરીને ત્યાં કોઈ સારો પ્રસંગ હોય તો ભેટ સોગાદો, દિકરીને ત્યાં લગ્ન હોય તો મામેરું, વાર-તહેવારોએ આપવામાં આવતી ભેટ-સોગાદો જેવા રિવાજોના લીધે જ માતા-પિતા નથી ઇચ્છતા કે તેમણે ત્યાં દિકરીનો જન્મ થાય.
આવા કુરિવાજોમાંથી જ્યાં સુધી સમાજને બહાર નીકળવું પડશે અથવા તો આવા રિવાજોને હળવા કરવા પડશે નહિતર કોઈ માતા-પિતા પોતાને ત્યાં દિકરીનો જન્મ થાય તો રાજી નહીં થાય. આ પ્રકારના ખર્ચાઓથી દીકરીઓના ઘરની સ્થિતિ સારી ના હોય તો ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડે છે અને સંબંધો સાચવવા પડે છે.
જો આવા રિવાજોના દૂર કરી નાખવામાં આવે તો દીકરીઓના પરિવારને આર્થિક બોજો સહન ના કરવો પડે અને તેઓની આર્થિક પરિસ્થિતી પર કોઈ અસર ના પડે. દિકરીના જન્મ ને દરેક માતા-પિતા હસતાં મોઢે સ્વીકારતા થાય તે માટે આવા કુરિવાજો દૂર કરવા ખૂબ જ જરૂરી છે.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !