દાડમના નાના નાના દાણામાં રહેલા છે મોટા મોટા ફાયદાઓ, આખું વર્ષ રહેશો તાજામાજા

0
1595

દાડમનાં લાલચટાક દાણાં જોઇને કોઇપણ ખાવાની ઇચ્છા રોકી શકે નહીં. આ ફળની છાલ પણ આયુર્વેદની દ્રષ્ટિએ એટલી જ ઉપયોગી છે. આયુર્વેદશાસ્ત્રનાં મતાનુસાર દાડમનું સેવન અનેક રીતે ગુણકારી છે, પૌષ્ટિક છે. સ્વાદમાં એકદમ ખટ્ટમધુર તો છેજ પણ કિડની સહિત અનેક બિમારીઓનો રામબાણ ઇલાજ છે. અગાઉનાં જમાનામાં દાડમ કિંમતની દ્રષ્ટિએ મોંઘુ લાગતું એટલે એ સુખી માણસનું ફળ કહેવાય એવી માન્યતા હતી પરંતુ હવે સામાન્ય માણસ પણ ખાઇ શકે એટલી મામૂલી કિંમતમાં મળી શકે છે.

આટલાં રોગોમાં ફાયદાકારક :

કિડની, કેન્સર, ઝાડા, મરડો, કબજિયાત, દાંત પેઢાની તકલીફ, ટાઇફોડ, અપચો, કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ, ઉધરસ, નાના બાળકોને થતાં કૃમિ, એસિડીટીથી છાતીમાં થતી બળતરાં, બ્લડપ્રેશર વગેરે. અગાઉ લખ્યું તેમ દર્દીની તાસીર કેવી છે એ તપાસી વૈદરાજ કેટલાં પ્રમાણમાં દવા આપવી એ નક્કી કરશે. એ હકીકત છે કે, કોઈ પણ બિમારી હોય કે ના હોય દાડમનાં દાણાં કે એનું જ્યુસ નૂકશાનકારક નથી.

Dadam_02

આજે ડોકટરો પણ દાડમનું સેવન કરવાની સલાહ એટલાં માટે આપે છે કે, એમાં વિટામીન C 6, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, લોહતત્વ વગેરે પૌષ્ટિકવર્ધક તત્વો સમાયેલાં છે. દાડમ કોઈ પણ ઉમરની વ્યક્તિ ખાઇ શકે છે. ઉપરાંત એનો રસ પી શકાય છે. ઝાડા-મરડા માટે એકદમ અકસીર છે.

મને યાદ છે કે, નાનપણમાં મારાં પિતાજી દાડમની છાલનું ચૂર્ણ અને વૃદ્ધ ગંગાધર ચૂર્ણ (ઝંડુ ફાર્મસી) ની ફાકીની પડીકી બનાવીને મફતમાં આપતાં જે કોઇને મરડો કે ઝાડા થયાં હોય તે દર્દી અરધી ચમચી ફાકી મોળી છાશ સાથે પી જાય તો માત્ર અરધી કલાકમાં ઝાડા ગાયબ. જોકે ઉમર અને તાસીર પ્રમાણે ફાકી અસર કરે પણ એની આડઅસર જરાય નહીં. દાડમની છાલને સૂકવીને એનો ઝીણો પાવડર બનાવી લેવો.

એ પાવડર પેટમાં ચૂંક આવે, ગમે તેવો જુનો મરડો થયો હોય તેમણે દાડમનું ચૂર્ણ અને લવિંગને ભેગા થોડું પાણી ઉમેરી ધીમે તાપે ઉકાળવું. અરધું પાણી બચે એ રીતે ઉકાળી એમાં મધ કે સાકર નાખી પ્રવાહી તાસીર પ્રમાણે પી જવું એટલે તરત ઝાડા મટી જશે.

સુપ્રસિદ્ધ લેખક કાંતિ ભટ્ટને કિડની બિમારી લાગૂ પડેલી ત્યારે તેમણે દાડમનું સેવન કરવાનો આરંભ કરેલો. એમણે એ વખતે લખેલું કે ‘ દાડમનાં દાણાથી મારી કિડનીની તકલીફ નાબૂદ થઈ ગઈ છે. મને ડર હતો કે જય પ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેઈલ જશે. પણ દાડમનાં દાણાંએ મારી કિડની કડેધડે રાખી છે. ૮૬ વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે. પણ, મારી ચામડી દાડમને કારણે ચકચકિત છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં અનેક રાજ્યોમાં દાડમ મોટા પ્રમાણમાં પાકે છે. અમેરિકા, આરબ દેશો, યુરોપ, ગ્રીસ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં દાડમનું ઉત્પાદન થાય છે. એનો અર્થ એ છે કે, દાડમ બધે જ લોકપ્રિય છે. જો દાણાં તમને અનુકૂળ ન આવે તો દાડમનું જ્યુસ પીઓ. હાલમાં ઠંડીની મોસમ ચાલું થઈ ગઈ છે. માર્કેટમાં મોટાપાયે દાડમ ઠલવાઈ રહ્યાં છે ત્યારે સસ્તાં ભાવે મળતાં દાડમનું સેવન કરો અને આખું વર્ષ તંદુરસ્ત રહો.

લેખન અને સંપાદન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here