છુટાછેડા લેવા માંગતી દિકરીને પિતાએ આ રીતે સમજાવી

0
2777

કલ્પના ના ઘરે બેબી એ જન્મ લીધો હતો. ફોઈએ નામ પાડ્યું સ્નેહા. એ સ્નેહાને લઈને કલ્પના પાછી પિયર આવી હતી. થોડો સમય આરામ થી રહે એટલે આમ તો મંજુબહેને જ બોલાવી હતી કે થોડા દિવસ પિયરમાં આરામ કરે એવું વિચારી ને.

મંજુબેનની મૂંઝવણનું કારણ હવે આવતું હતું. કલ્પના હવે પાછા જવાનું નામ નહોતી લેતી. મમ્મી જો તને છેલ્લી વાર કહી દઉં છું મારે પાલવ સાથે નથી રહેવું. પપ્પા ને સમજાવ મારે ત્યાં નથી જવું. તો? તો શું? છૂટાછેડા! ડિવોર્સ. અરે પણ! પણ કંઈ નહીં કારણ તો કહે. બસ આમ જ.

કલ્પના ભણવાનું પૂરું કરે, પગભર થાય ત્યાર પછી જ લગ્ન માટે સમજાવવું એવું વિચારતા મંજુબેન પાસે કલ્પના પાલવ ને લઈને આવી. આમતો પાલવનો કુટુંબ એમના માટે અજાણ્યું ન હતું. પાલવ કલ્પનાથી એકાદ વર્ષ આગળ હતો. એની કોલેજમાં ભણતો હતો.  દુરના સંબંધી તરીકે પાલવ ની માતા પણ ઓળખાણ માં હતી. તેના પિતા નિવૃત સરકારી અમલદાર હતા. આમ તો ગામમાં પિયર અને ગામમાં જ સાસરુ એટલે આંટાફેરા ચાલ્યા કરે. પણ માનો જીવ. એમને થયું. થોડા દિવસો ભલે દીકરી અહીં રહે. પણ ત્યાં આ શું? અતીત માથી વર્તમાનમાં આવી જવાયું. કલ્પના રોજ પૂછતી મા પપ્પા ને વાત કરી?

બે એક દિવસ પછી તેમણે જોયું તો બાપ-દીકરી હિચકે બેસીને વાતો કરતા હતા. નાનકડી સ્નેહા ને નાના ઝુલાવતા હતા. અને કલ્પના પોતાની વાતો તેમને સમજાવવાનો પ્રયત્ન કરતી હતી. પોતાની રીતે સાચી હોવાના કારણો આપતી હોય તેવું મંજુબહેન અનુમાન કરવા લાગ્યા. જોઉ તો ખરી કે બાપ ને કઈ પટ્ટી પડાવે છે.

તેઓ એ લોકોની પાછળ ત્યાં પહોંચી ગયા. અને તેમના કાને કલ્પનાના શબ્દો સંભળાઈ ગયા. પપ્પા તમને ખબર નથી શું? પાલવ લંગડો છે. ના! ના એટલે કે ખોડંગાય છે. મને એની સાથે ચાલતા શરમ આવે છે. એય છોકરી! મંજુબેન ની લગભગ બુમ જ પકડાઈ ગઈ. શું વાત કરે છે? તને શું ખબર નહોતી? આપણે તેમની ખોટ પહેલેથી જાણીએ છીએ. અને તારામાં ખોટ ક્યાં નથી?  અચાનક અટકી પડેલી મમ્મી ને જોઈને કલ્પના બોઘાઈ ગઈ.

મમ્મી મને તો ખબર હતી. પણ ! પણ શું? હજુ પણ મંજુબેન ગુસ્સામાં જ હતા. આ બધા મને પૂછ્યા કરે છે. કલ્પના બોલતી ગઈ. તમે આટલા સરસ! અને પાલવ જેવા ખોડવાળા ને કેમ પસંદ કર્યો? બોલ મમ્મી હું શું કહું? આ બધાને. કલ્પના રડતી રડતી અંદર ચાલી ગઈ. માતા પિતા હેબતાઇ ગયા. તો આ કારણ છે એમને.

એમણે તો સપનામાં નહોતું વિચાર્યું કે આવું કંઈક કારણ હશે. હવે આ બાબત તો કંઈ વિષય જ નહતો. વળી, પાલવને પણ કહેવાય નહીં. એને ખોટું લાગી જાય. તો આ વાત વધુ બગડી શકે તું શાંતિ રાખજે. મંજુબેન ના પતિ શબ્દો પર શ્રદ્ધા રાખવી જ પડી. પાલવ અને કાંતાબેનની રજા લઈને કલ્પનાને થોડા વધુ દિવસ રહી જવા સમજાવી. પતિના કહ્યા અનુસાર જ સમય સરખો રહ્યો. કલ્પના ના પ્રશ્ન એ જાણે મૌન ધારણ કરી લીધું. બે એક મહિના પસાર થઇ ગયા ને પાલવ ખુશખબર લઈને આવી પહોંચ્યો. એને પ્રમોશન સાથે બીજા શહેરમાં ટ્રાન્સફર મળી ગઈ. પગાર પણ વધ્યો અને કંપનીનું ઘર પણ મળશે. ચાલો તો એમ વધુ એક ખુશી, અમારા તરફથી સ્કુટર.

પ્રમોશનની ખુશીમાં કલ્પના પપ્પાએ તેમને નવું સ્કુટર લઈ આપ્યું. નવું શહેર, નવા લોકો, નવું જીવન છૂટાછેડાની વાત ભૂલીને કલ્પના પણ રાજીખુશીથી પાલવ સાથે જવા તૈયાર થઈ ગઈ. આખરે, મંજુ બહેનને પૂછ્યું આ કોયડો કેમ ઉકેલ્યો? ત્યારે પતિએ કહ્યું પાલવને ખોટું ન લાગે એમ ધીરે ધીરે બધું સમજાવ્યું, લાગવગ લગાડી, થોડા પૈસા પણ વેર્યા અને  વધુ પગે ન ચાલવું પડે તે માટે સ્કૂટર  પણ લઈ આપ્યું. પાલવે પણ સમજદારી બતાવી. તેમની વાત માની ગયો. ઘર ભંગાય એના કરતાં નવા શહેરમાં સ્થાયી થવું તેણે યોગ્ય માન્યું.

હવે કલ્પનાને નવા શહેરમાં કોઈ જાતજાતના સવાલો નહીં પૂછે. પાલવને પણ પગે નહિ ચાલવું પડે ને સ્કૂટર ને કારણે ખોડ દેખાવાનો સવાલ પણ ઉભો નહીં થાય. પુત્રીએ ઉપજાવેલા કારણોનું જ નિવારણ પપ્પા એ કરી નાખ્યું. પછી શું? વારે ઘડીએ દીકરી બતાવે એ જ રસ્તા ને સાચો માને તો બાપ થોડો છું કહેતા અંદર જતા પતિને જોઈ રહેલા મંજુબહેન પણ કારણ નિવારણનો અર્થ સમજી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here