અહીના લોકો હજુ પણ દુર્યોધન થી ફફડે છે

0
646

દેવભૂમિ હિમાલયનાં પશ્ર્ચિમ ભાગમાં પહાડી વિસ્તારના રંવાઇ- જોનપુર અને જીનસાર – ભાવર પ્રદેશમાં મહાભારત સમયની રોચક ગાથા સાંભળવા મળે છે. અહીંથી એ સમયનાં અવશેષો પણ મળી આવ્યા હોવાનું કહેવાય છે.

રસપ્રદ વાત એ છે કે, અહીંના કેટલાક વિસ્તારોમાં પોતાને પાંડવ- કૌરવનાં વારસદારો માનતાં બે પ્રતિસ્પર્ધી જુથ વચ્ચે અવારનવાર સંગ્રામ જોવાં મળે છે. વસંત પંચમી અહીંયા ખાસ મહત્વ ધરાવે છે. એ દિવસે લોકો મહાભારતની કથા હોંશથી સાંભળે છે.

બીજી માન્યતા એવી છે કે, કૌરવોની સંખ્યા ૧૦૦ નહીં પરંતુ ૬૦ હતી. જ્યારે પાંડવો પાંચ ભાઇ હતાં. આ માન્યતા પ્રમાણે કૌરવ જુથનાં સાઠી તથાં પાંડવ જુથના પનસાઠી તરીકે ઓળખાય છે. બન્ને જુથ વચ્ચે શક્તિ પરિક્ષણ યોજાય છે. ઢોલ અને ધનુષ્ય સાથે બે વ્યક્તિ વચ્ચે ભીષણ યુદ્ધ યોજાય છે.

આ વિસ્તારમાં શ્રીગુલ અને મહાસુ નામથી ઓળખાતા જાણીતાં મંદિર ખાતે મેળામાં સ્પર્ધા થાય છે જેમાં પ્રસાદનો કબજો મેળવવા યુદ્ધની જેમ હરિફાઇ થાય છે જેમાં સફળ થનારને વિજેતા જાહેર કરવામાં આવે છે.

મહાભારતના સમયમાં એ વિસ્તાર કુલીંદ દેશ તરીકે જાણીતો હતો. હવે આપણે બીજી એક રસપ્રદ ઐતિહાસિક વાત જાણીશું. દુર્યોધનને આ વિસ્તારના લોકો દેવ તરીકે શા માટે માને છે? મહાસુ નામનાં દેવની હિમાલય પાસેની ભૂમિ આપવાની દુર્યોધને પ્રાર્થના કરી હતી જે મહાસુએ સ્વિકારી હતી. એ સિવાય અન્ય માન્યતાઓ પ્રમાણે દુર્યોધનની મુખ્ય દેવ માનીને પુજા- અર્ચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, પંચમાર્ગ તરફ પ્રયાણ કરતી વખતે કિરમોર નામનાં રાક્ષસનું દુર્યોધને માથું કાપી નાખેલું એ રાક્ષસે એ વખતે દુર્યોધન પાસે અમૂક વિસ્તારની માંગણી કરી હતી એ પ્રમાણે દુર્યોધને સુપિન અને રૂપિન નદી આસપાસ કિરમોર રાક્ષસની સ્થાપના કરી હતી.

ટોસ પહાડી ( પંચગાઇ) વિસ્તારમાં દુર્યોધન, શીંગતુરમાં કર્ણ અને પટ્ટીગડુગાડમાં કર્ણ પુત્ર દુશાસન પૂજાય છે. ગામલોકો ગામમાં શાંતિ અને ખુશાલીનું વાતાવરણ જળવાય તે માટે પાંડવ નૃત્ય યોજે છે.

અમૂક ગામોને બાદ કરતાં સમગ્ર રંવાઇ- જોનપુર અને જોનસાર- ભાવરનાં તમામ ગામોમાં પાંડવોની પુજન કરવામાં આવે છે. એ તમામ ગામોમાં પાંડવોનું એક મંદિર પાંડવ ચોરી તરીકે ઓળખાય છે. તમને કદાચ ખબર હશે કે, આપણા ધોળકા ખાતે પાંડવ ચોરીનાં અવશેષો જોવાં મળે છે. મહાભારત – રામાયણની અનેક કથાઓ માત્ર ભારત જ નહીં, વિશ્વમાં પથરાયેલી છે તેણે હિન્દુધર્મનું ગૌરવ વધાર્યું છે.

લેખન : મહેન્દ્ર સંઘાણી (સુરત – વરીષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here